Amazon Best Discount Deals

નદીના ઉપરવાસમાં ભારે વરસાદથી વલસાડની ઔરંગા નદી બે કાંઠે કેટલાય ગામમાં હાઈ એલર્ટ । valsad oranga nadi

નદીના ઉપરવાસમાં ભારે વરસાદથી વલસાડની ઔરંગા નદી બે કાંઠે કેટલાય ગામમાં હાઈ એલર્ટ 

      વલસાડ જિલ્લામાં ભૈરવી ગામમાં ઔરંગાની સપાટી વધતાં વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં સાયરન વગાડી લોકોને જાગૃત કરાયા
      દરિયામાં ભરતી શરૃ થતાં નદીના કૈલાસરોડ તથા બંદરરોડ પીચિંગના પુલને લગોલગ પાણી પહોંચી ગયું અને અવરજવર બંધ કરાવાઈ

                     
       વલસાડ જિલ્લામાં આશરે આઠેક દિવસના વિરામ બાદ શુક્રવારે રાત્રીથી ચાલુ થયેલી મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર બની રહી હતી. વલસાડ અને નવસારી જિલ્લાની સરહદોને અડીને આવેલા ઉપરવાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે શનિવારે બપોર બાદ નીચાણવાળા વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદીનું જળસ્તર ઝડપથી ઊંચે ચઢવા માંડતા, વહીવટી તંત્ર દોડતું થયું હતું. જિલ્લા કલેકટરે ટ્વીટ કરીને નીચાણવાળા વિસ્તાર માટે એલર્ટ જાહેર કર્યુ હતું. મોડી સાંજે ભરતી ચાલુ થયા બાદ, ઔરંગા નદીના બંદરરોડ પીચિંગ ઉપરના પુલ તથા કૈલાસરોડ પુલને લગોલગ જળસ્તર પહોંચી જતા, વહીવટી તંત્રએ અવરજવર માટે બંને પુલ બંધ કરી દીધા હતાં. જિલ્લામાં આજે બપોરે ૪-૦૦ વાગ્યા સુધીના વિતેલા ૮ કલાકમાં સૌથી વધુ કપરાડામાં ૪.૧૬ ઇંચ, ધરમપુર ૨.૨૮ ઇંચ, પારડી ૧.૧૬ ઇંચ, વાપી ૧ ઇંચ અને વલસાડમાં અડધો ઇંચ પાણી પડયું હતું.
         વલસાડ જિલ્લાને અડીને આવેલા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કલેકટર સી.આર. ખરસાણએ તકેદારીના ભાગરૃપે વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓની ટીમોને કૈલાસરોડ તથા બંદરરોડ સ્થિત ઔરંગા નદીના પુલ પાસે તહેનાત કરી હતી. મળતી વિગતો મુજબ ધરમપુરના બામટી ગામે માન નદીનાા પુલ ઉપર પાણી ફરી વળ્યુ હતું. જો કે, ઉપરવાસમાં વરસાદ બંધ થતાં જ, સાંજે ૫-૧૫ વાગ્યાના સુમારે ભૈરવી નદીની સપાટી ઘટીને ૩.૯ મીટરે પહોંચતા, નીચાણવાળા વિસ્તારમાં પૂરનું જોખમ દૂર થયું હતું. પરંતુ સાંજે ભરતી શરૃ થતાં કૈલાસરોડ અને પીચિંગના પુલને લગોલગ પાણી પહોંચી જતા, તકેદારીના ભાગરૃપે અવરજવર માટે બંને પુલો બંધ કરાયા હતાં.
        જિલ્લામાં શનિવારે સવારે ૬ વાગ્યા સુધીના વીતેલા ૧૨ કલાકમાં વલસાડમાં ૪ મિમી, પારડી ૧૪ મિમી, વાપી ૨૦ મિમી, ઉમરગામ ૪૦ મિમી, ધરમપુર ૧૧ મિમી અને કપરાડામાં ૨૫ મિમી વરસાદ નોંધાયો હતો. જિલ્લા ડિઝાસ્ટર સેલના કંટ્રોલરૃમ તરફથી પ્રાપ્ત મોસમના કુલ વરસાદના આંકડા મુજબ, વલસાડ ૧૯૫૫ મિમી (૭૮.૨ ઇંચ), પારડી ૧૭૪૮ મિમી (૬૯.૯૨ ઇંચ), વાપી ૧૭૦૨ મિમી (૬૮.૦૮ ઇંચ), ઉમરગામ ૨૦૫૬ મિમી (૮૨.૨૪ ઇંચ), ધરમપુર ૧૯૭૦ મિમી (૭૮.૮ ઇંચ) અને કપરાડા ૨૧૦૨ મિમી (૮૪.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો છે.
        ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભૈરવીમાં ઔરંગાની સપાટી વધતા, બપોરે ૩-૦૦ વાગ્યે વલસાડના અબ્રામા સ્થિત પાલિકાની માલિકીના ડેમનાં ૮ પગથિયાં ડૂબી ગયાં હતાં. ભરતી હોય અથવા વલસાડમાં ભારે વરસાદ હોય અને ડેમનાં ૮ પગથિયાં ડૂબે ત્યારે વલસાડના નીચાણવાળા કાશ્મીરનગર, છીપવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાય છે. પરંતુ શનિવારે તે સમયે ભરતી ન હતી અને વલસાડમાં વાતાવરણ સ્વચ્છ હોય, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા નહોતા. સાંજે ૫-૩૦ વાગ્યે ડેમમાં જળસ્તર ઘટતા, ૫ પગથિયાં ડૂબેલા રહ્યા હતાં. આમ આજે વલસાડમાં નદીમાં પાણીનો ભારે પ્રવાહ છતાં નીચાણવાળા વિસ્તારો સલામત રહ્યાં હતા.
       
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon